આજે World Mental Health Day વડોદરા શહેરમાં દર ૨૦ મિનિટે એક આપઘાતનો પ્રયાસ વડોદરા શહેરમાં દર એક લાખે ૧૫થી ૨૦ મૃત્યુ આપઘાતથી

આજે વિશ્વ માનસિક આરોગ્ય દિન છે. આ વર્ષનું થીમ છે Focus on Suicide Prevention એટલે કે આપઘાત નિવારણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આવું થીમ કેમ પસંદ કરવું પડ્યું એ એક વિચારણા માંગી લે તેવો ગંભીર પ્રશ્ન છે કારણ કે આપઘાત એક જટિલ સમસ્યા છે. એનું કોઈ એક ચોક્કસ કારણ નથી. જૈવિક, આનુવંશિક, માનસિક, સામાજીક, સાંસ્કૃતિક તથા આર્થિક અને આજુબાજુના વાતાવરણને લગતા પરિબળો એમાં ભાગ ભજવે છે. એ કહેવું મુશ્કેલ છે કે અમુક લોકો આપઘાત કરવાનું કેમ પસંદ કરે છે જયારે બીજા એમના કરતા પણ ખરાબ પરિસ્થિતિમાં હોવા છતાં આપઘાત નથી કરતા. દુનિયાના તમામ દેશોમાં આપઘાત એ જાહેર આરોગ્યની એક મોટી સમસ્યા બની ગઈ છે ત્યારે અમારા સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આપઘાતની તરાહ, વલણો અને તેની પાછળના વિવિધ પરિબળો ઉપર વિસ્તૃત રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાત રાજ્યમાં આપઘાત ઉપર સર્વસમાવેશી રિસર્ચ અભ્યાસ હાથ ધરાયો હોય તેવું જોવામાં આવ્યું નથી. તેવા સમયે અમારા સેન્ટર દ્વારા સતત ત્રણ વર્ષ સુધી આપઘાત ઉપર Psychology અને Sociologyને ધ્યાનમાં રાખીને સઘન રિસર્ચ કરીને વિવિધ માપદંડોમાં આપઘાત કયા કારણે કરવામાં આવ્યા છે તથા આપઘાત કરવા માટે કઈ પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી તેની પણ વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થઇ શકી છે. સેન્ટર દ્વારા જેઓ આપઘાતમાં મૃત્યુ પામ્યા હતા તેવા તથા જેઓએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં બચી ગયા હતા તેઓના પરિવારના સભ્યો, કુટુંબીજનો, મિત્રો, પડોશીઓ તથા ધંધા/નોકરીના સ્થળ ઉપરના સહકર્મચારીઓને સેન્ટર દ્વારા નિયુક્ત નિષ્ણાત ક્લિનિકલ સાયકોલોજીસ્ટ તથા સમાજશાસ્ત્રીઓની ટીમે તેઓને રૂબરૂમાં મળીને પ્રત્યેક કેસ ઉપર સઘન સંશોધન કરીને તારણો કાઢવામાં આવ્યા છે. તે તારણો આધારિત સેન્ટર દ્વારા વ્યાપક ભલામણો પણ કરવામાં આવી છે. આ ભલામણો વિષે ફરી ક્યારેક જોઈશું. આજે માત્ર આજના દિવસની ગંભીર સમસ્યા અંગે જ જોઈશું.

આપઘાતની સમસ્યા દિવસે દિવસે ગંભીર બનતી જાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોની માહિતી પ્રમાણે સમગ્ર દેશમાં વર્ષ ૨૦૦૪માં કુલ ૧,૧૩,૬૯૭ લોકોએ આપઘાત કર્યો હતો જે વર્ષ ૨૦૧૫માં વધીને ૧,૩૩,૬૨૩ થયો છે. ભારતમાં ૨૦૦૪માં દર લાખની વસ્તીએ ૧૦.૫ લોકો આપઘાત કરતા હતા તે વર્ષ ૨૦૧૫માં તે દર લગભગ તેટલો જ એટલે કે ૧૦.૬નો થયો છે. ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૪માં કુલ ૭,૨૨૫ લોકોએ આપઘાત કર્યો હતો જે વર્ષ ૨૦૦૪માં ૪,૭૭૬ હતો. ગુજરાતમાં ૨૦૦૪માં દર લાખની વસ્તીએ ૮.૯ લોકો આપઘાત કરતા હતા તે દર વર્ષ ૨૦૧૫માં વધીને ૧૧.૭નો થયો છે. એટલે કે ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં આપઘાતના પ્રમાણમાં લગભગ ૩૨%નો વધારો થયો છે. જે ઘણો વધારો કહી શકાય.

છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં ખુબ જ મોટા પ્રમાણમાં શહેરીકરણ થયેલ છે. આધુનિકરણ તથા ઔદ્યોગીકરણ વ્યાપક બન્યું છે. તેના કારણે સ્થળાંતર પણ ખુબ મોટા પ્રમાણમાં થયેલ છે. આના કારણે ગુજરાત આજે એક સંક્રાતિ કાળમાંથી પસાર થઇ રહેલ છે. આ તમામ પરીબળોના કારણે ગુજરાત એક નવા પ્રકારની સામાજિકતામાંથી પસાર થઇ રહેલ છે. લોકોની રહેણી-કરણી ઉપર ખુબ જ મોટું પરિવર્તન દેખાઈ રહેલ છે. તેના કારણે લોકોમાં રૂપિયા અને નામ કમાવવાની હોડ લાગી છે. રૂપિયા અને નામના જ સર્વસ્વ છે તેવી ભાવના બળવત્તર થતી જઈ રહી છે. તેના કારણે આપઘાતનું પ્રમાણ છેલ્લા દસકામાં લગભગ ૩૨% જેટલું વધ્યું હોય તેમ લાગે છે.

છેલ્લા બેથી ત્રણ દાયકામાં પરિવારો તૂટવા લાગ્યા. વ્યક્તિગત સ્વતંત્રતા અગત્યની બની અને ટેક્નોલૉજીનો વ્યાપ વધી ગયો છે તેના કારણે પણ લોકો ડિપ્રેશન તરફ ધકેલાઈ રહ્યા છે. સમાજનું પશ્ચિમીકરણ થઈ રહ્યું છે. તમામ લોકો અને એમાંયે આધુનિક યુવાનો ટોપ ફાઇવ ગિયરમાં દોડવા લાગ્યા છે કારણ કે આજના યુવાનોને બધું જ FAST જોઈએ છે. યુવાનોને બહુ જલ્દી પૈસાદાર થઈને સમૃદ્ધ થઇ જવું છે એટલે કે તેઓને આવક FAST જોઈએ છે. આજના ગ્રાહકવાદ અને બજારવાદમાં આજના યુવાનને ખર્ચા પણ બહુ FAST કરવા છે. આજના યુવાનને ક્લાસિકલ સંગીત બહુ ઓછું ગમે છે કારણ કે તેઓને સંગીત પણ FAST ગમે છે એટલે જ ડીજે અનિવાર્ય થઇ ગયા છે. આજના યુવાનનો ખોરાક પણ FAST થઇ ગયો છે. તેને FAST ફૂડ વધારે પસંદ છે. તેવી જ રીતે આજના યુવાનમાં પ્રેમ પણ FAST થઇ ગયો છે અને પ્રેમ જેટલો FAST થવા માંડ્યો છે બ્રેક-અપ પણ તેટલા જ FAST બની ગયા છે. આ FASTના ચક્કરમાં આજનો યુવાન સતત તણાવમાં રહેતો થઇ ગયો છે. એટલે તો એકવીસમી સદીને જ્ઞાનની સદીની સાથે સાથે તણાવની પણ સદી કહી છે.

તણાવ તો વધ્યો જ છે પરંતુ સાથે સાથે યુવાનોમાં ધીરજ રહી જ નથી. તેઓમાં જતું કરવાની ભાવના જ રહી નથી. દરેક ઘટના, સંજોગો અને પરિસ્થિતિમાં બદલાની ભાવના બળવત્તર બની છે. જે બદલો લઇ શકે તેવી પરિસ્થિતિમાં ન હોય તો તે તણાવમાં આવીને હતાશ થઈને ડિપ્રેશનમાં જતો રહેતો હોય છે. તદુપરાંત આજના યુવાનની મહત્વાકાંક્ષા આસમાનને આંબી રહી છે. તે ખોટું નથી પરંતુ આકાશને આંબતી મહત્વાકાંક્ષાની સાથે સાથે ધીરજ અને જતું કરવાની ભાવના પણ જો પ્રબળ બને તો તે તણાવમાં આવ્યા વગર સફળ થાય જ. પરંતુ તેમ બનતું નથી. તેવી જ રીતે સોશિયલ મીડિયાને કારણે પણ કિશોરો અને યુવાનો ડિપ્રેશનમાં આવી જાય છે એવું જોવામાં આવ્યું છે. જો સોશિયલ મીડિયાની પોસ્ટ કે ફોટોને લાઈક ના મળે કે નકારાત્મક કોમેન્ટ આવે તો તેના કારણે અતિ-સંવેદનશીલ યુવાનને રિજેક્ટ અને ડિજેક્ટ થયાનો અનુભવ થાય છે અને તેનાથી તેના ઉપર ભાવનાત્મક બોજ વધે છે.

તેવી જ રીતે આજકાલ બાળકો પર પણ માતા-પિતાનું અનેક પ્રકારે પરફોર્મ કરવા માટેનું દબાણ હોય છે. ભણવા ઉપરાંત ગીત, સંગીત, નૃત્ય, રમતગમત, એક્ટિંગ જેવી ઈતર પ્રવૃત્તિઓમાં પણ સારા દેખાવની અપેક્ષા હોય છે. બાળકોમાં પોતાની રીતે પિયર પ્રેશર, સોશિયલ સાઇટ્સ પર સ્ટેટસ અપડેટ કરવાનું દબાણ વગેરે તેમના માટે અસ્તિત્વના સવાલો ઊભા કરે છે. આજના જમાનામાં વિકલ્પો વધ્યા છે અને એક્સપોઝર વધ્યું છે તેનાથી પણ બાળકો તણાવમાં આવી જાય છે.

આ બધા કારણોને લીધે યુવાન અને બાળક પોતે હતાશા અને નિરાશામાં ક્યારે સરી જાય છે તે તેને પણ ખબર પડતી નથી. અને ધીરજ અને જતું કરવાની ભાવના ન હોવાથી તેમજ પરિવાર વિખરાયેલા રહેતા હોવાથી યોગ્ય સમયે પરિવારની હુંફ ન મળતા આપઘાત કરવાના વિચારમાં યુવાન અને બાળક સરી જતો જોવા મળ્યો છે. તેને કારણે તે જુદા જુદા પ્રકારના મેન્ટલ ડીસઓર્ડરથી પીડાતો થઇ જાય છે અને આમ માનસિક બિમારીનું વિષચક્ર શરુ થઇ જાય છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાઇન્સિઝે ૨૦૧૬માં ૧૨ રાજ્યોમાં સર્વેક્ષણ કરાવ્યું હતું. તેમાં ચિંતાજનક આંકડા આવ્યા હતા કે વસતીના ૦૨.૭% ટકા જેટલા લોકો ડિપ્રેશન જેવા મેન્ટલ ડિસઑર્ડરથી પીડાય છે. તદુપરાંત ૦૫.૨% ટકા લોકો ક્યારેય ને ક્યારેય તેનો ભોગ બન્યા હોય છે. આ સર્વેક્ષણમાંથી એક અંદાજ એવો મળ્યો હતો કે ૧૫ કરોડ લોકો કોઈ ને કોઈ માનસિક સમસ્યાથી ગ્રસ્ત છે અને તેમને તબીબી સારવારની જરૂર છે. મેડિકલ જર્નલ લેનસેટના અહેવાલ અનુસાર ભારતમાં જરૂરી હોય તેમાંથી માત્ર ૧૦% લોકોને જ તબીબી મદદ મળે છે. તેનાથી પણ ચિંતાજનક વાત એ છે કે ભારતમાં માનસિક સમસ્યાથી ગ્રસ્ત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આગામી દસ વર્ષમાં દુનિયાના માનસિક સમસ્યાગ્રસ્ત લોકોમાંથી ત્રીજા ભાગના ભારતમાં હશે.

ગુજરાતમાં આવેલા મુખ્ય શહેરોમાં રાજકોટમાં સૌથી વધારે આપઘાતના કિસ્સા નોંધાયા છે પરંતુ અમદાવાદમાં જો ૨૦૦૧ની સરખામણી ૨૦૧૫ સાથે કરતા આપઘાતના કિસ્સાઓમાં લગભગ ૪૦%નો વધારો નોંધાયો છે જે વધારો રાજ્યમાં સૌથી વધારે છે. આ જ સમય દરમિયાન ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓમાં લગભગ ૨૫%નો વધારો નોંધાયો છે. વડોદરામાં આ જ સમયગાળા દરમિયાન લગભગ ૧૨%નો વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં દર એક લાખે ૩૦ વ્યક્તિ જયારે વડોદરામાં ૧૫, સુરતમાં ૧૪ અને અમદાવાદમાં ૧૨ વ્યક્તિ આપઘાત કરે છે. આ આંકડા વર્ષ ૨૦૧૫ના છે. ૨૦૧૫ પછી સરકારે આપઘાતના કોઈ આંકડા જાહેર કર્યા નથી.

આપઘાત કરવાના પ્રયાસની વાત કરીએ તો વડોદરા શહેરમાં દરરોજ......હા......દરરોજ સરેરાશ ૫૦ વ્યક્તિ આપઘાતનો પ્રયાસ કરે છે. વડોદરાની સિવિલ હોસ્પિટલ સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં જ દૈનિક સરેરાશ ૨૫ વ્યકિત આપઘાતનો પ્રયાસ કરીને સારવાર લેવા માટે આવતી હોય છે. આનો અર્થ એ થયો કે વડોદરામાં દર મહીને સરેરાશ ૧,૫૦૦ વ્યક્તિ આપઘાતનો પ્રયાસ કરે છે અને દર વર્ષે સરેરાશ ૧૮,૦૦૦ થી ૨૦,૦૦૦ વ્યક્તિ માત્ર વડોદરા શહેરમાં આપઘાતનો પ્રયાસ કરે છે. આ આંકડા તો જેઓ આપઘાતનો પ્રયાસ કરીને દવાખાનામાં સાચી હકીકત દર્શાવે છે તેટલા જ છે. આપઘાતના પ્રયાસના ઘણા કેસમાં આપઘાતનો પ્રયાસ કર્યો છે એટલે અમે દવાખાને સારવાર માટે આવ્યા છે તેવું દર્શાવતા નથી. જો તેનો સમાવેશ કરીએ તો વડોદરા શહેરમાં દર વર્ષે આપઘાતનો પ્રયાસ કરનારાઓની સંખ્યા ૨૦,૦૦૦થી ઘણી વધારે થઇ શકે છે. તમામનો સમાવેશ અંદાજ આધારિત કરીએ તો આ સંખ્યા વડોદરા શહેરમાં દર ૨૦ મિનિટે એક આપઘાતના પ્રયાસ સુધી પહોંચે છે.

આવા ન નોંધાતા આપઘાતના પ્રયાસના કેસોની ગંભીરતાને ધ્યાનમાં લઈને આ પડકારનો સામનો કરવા માટે ભારત સરકાર દ્વારા ૨૦૧૭માં Mental Health Care Act પસાર કરવામાં આવ્યો છે. નવા કાયદા અનુસાર માનસિક બીમાર વ્યક્તિને કેટલાક અધિકાર આપવાની જોગવાઈ છે. અગાઉ આત્મહત્યાને ગુનો માનવામાં આવતો હતો પણ નવા કાયદા અનુસાર તે ગુનો નાબૂદ કરીને પીડિતને સારવારનો અધિકાર આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અને રાજ્યસ્તરે માનસિક સ્વાસ્થ્ય સત્તામંડળની રચનાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

પરંતુ અમારું એવું સ્પષ્ટ રીતે માનવું છે કે નવો કાયદો પશ્ચિમના દેશોની નકલ કરીને બનાવ્યો હોય એમ લાગે છે પણ ભારતમાં માનસિક સમસ્યા પશ્ચિમના દેશો જેવી નથી. ભારતમાં સામાજિક અને કૌટુંબિક પરિબળો માનસિક સમસ્યાના સમાધાનમાં બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે. અમારા સેન્ટરનો રિસર્ચ અભ્યાસ એમ કહે છે કે એક વ્યક્તિ આત્મહત્યા કરે તેના કારણે ઘણાં લોકોને અસર થાય છે તેમાં સ્વજનો, સગાઓ, મિત્રો, સહકર્મચારીઓ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ આઘાતમાંથી બહાર આવવા માટે પણ સ્વજનો, સગાઓ, મિત્રો, સહકર્મચારીઓ જ ઉપયોગી સાબિત થતા જોવામાં આવ્યા છે.

મારો એવો સ્પષ્ટ મત છે કે વીસમી સદીમાં જે રીતે પ્રત્યેક પરિવારમાં એક “ફેમિલી ડોક્ટર”ની અનિવાર્યતા હતી તેવી જ રીતે એકવીસમી સદીમાં પ્રત્યેક પરિવાર પાસે પોતાનો એક “ક્લિનિકલ સાયકોલોજીસ્ટ-કાઉન્સેલર” હોવો અનિવાર્ય છે જે પરિવારની ઓછામાં ઓછી બે પેઢીની તમામ માહિતી અને ઘટનાઓથી માહિતગાર હોય.

મારી આજના દિવસે સૌને એક વિનંતી છે કે સાયકોલોજીસ્ટ પાસે કે Psychiatrist પાસે જવું એ બહુ જ સામાન્ય છે. જેવી રીતે તાવ આવે ત્યારે કે વાયરલ ઇન્ફેકશન જેવું લાગે કે તરત આપણે Physicianનો સંપર્ક કરતા હોઈએ છીએ તેવી જ રીતે જો કોઈ માનસિક નબળાઈ કે નકારાત્મકતા કે હતાશા કે નિરાશા જેવું લાગે તો સાયકોલોજીસ્ટ પાસે કે Psychiatrist પાસે શરૂઆતી લક્ષણોમાં જ જવું એ પોતાના તથા પરિવારના હિતમાં ખુબ જ ફાયદાકારક રહેશે.

ઉદાહરણ તરીકે જોઈએ તો કોમન મેન્ટલ ડિસઓર્ડર એટલે કે સીએમડીની અસર લગભગ ૪૦% લોકોને હોય છે. લોકો સમજી શકતા નથી કે તેમને શું બીમારી છે. સીએમડીનાં લક્ષણો અલગ-અલગ હોય છે જેમ કે કામમાં મન ન લાગવું, કોઈ શારીરિક બીમારી ન હોય તો પણ થાક લાગવો, ઊંઘ આવ્યા કરવી, સ્વભાવ ચીડિયો થઈ જવો, ગુસ્સો કરવાનું કે રડવાનું મન થવું. બાળકોના વર્તનમાં અચાનક પરિવર્તન આવે, સ્કૂલે જવાની ના કહે, ગુસ્સો કરવા લાગે, આળસુ થઈ જાય કે પછી બહુ ચંચળ થઈ જાય તે લક્ષણો હોય છે. આવાં લક્ષણો સતત બે અઠવાડિયાં સુધી રહે તો સાયકોલોજીસ્ટ પાસે કે Psychiatrist પાસે જવું જ જોઈએ. આપણા દેશમાં હાલમાં ૦૩% જેટલા બાળકો ડિપ્રેશનમાં રહેતાં હોય છે. તેમને સમયસર સારવાર ના મળે તો માનસિક સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે.

આથી જ સૌએ પોતાના પરિવારનો એક “ક્લિનિકલ સાયકોલોજીસ્ટ-કાઉન્સેલર” રાખવો અનિવાર્ય છે. તેમજ ફરી એક વખત રિપીટ કરું છું કે આજના વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસે સૌને વિનંતી કે જેટલી સરળતાથી આપણે Physician પાસે જઈએ છીએ તેટલી જ સરળતાથી સાયકોલોજીસ્ટ પાસે કે Psychiatrist પાસે જવું જોઈએ કે જેથી માનસિક સમસ્યા વકરે તે પહેલાં તેનું સમાધાન થઇ જાય અને વ્યક્તિ તથા તેનું સમગ્ર કુટુંબ આપઘાત જેવી જટિલ સમસ્યાના કારણે તથા કથળેલા માનસિક સ્વાસ્થ્યને કારણે તૂટતું બચી શકે.

Dr.Jayesh Shah,Research Consultant @ CCD