કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તેવા સમયે આજે સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટના જયેશ શાહ અને લેન્સી લોબો દ્વારા વધુ એક પુસ્તક "ગુજરાતના શાળાકીય શિક્ષણનો એક્સ રે" બુક સેલ્ફ (નવભારત સાહિત્ય મંદિર - મુંબઈ) દ્વારા પ્રસિદ્ધ થયું. સંશોધન અભ્યાસ આધારિત તારણો ઉપરથી આ પુસ્તકમાં અમે ગુજરાતમાં શાળાકીય શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે વ્યાપક ક્રાંતિકારી ભલામણો કરી છે અને તે આજના સમયની માંગ છે એવું અમારું સ્પષ્ટ માનવું છે. જે વ્યાપક ક્રાંતિકારી ભલામણો કરી છે તેમાં (01) “નો ડિટેન્શન” નીતિની પુનર્સમીક્ષા (02) લોકબોલીમાં ધોરણ એકથી ત્રણનો અભ્યાસક્રમ (03) ધોરણ આઠ પછી બોર્ડની પરીક્ષા (04) ધોરણ દસની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવે (05) શાળાના શિક્ષકોની ક્ષમતા વધારવા માટે તાલીમ અને તેની વ્યવસ્થા (06) વિદ્યાર્થીઓની ક્ષમતા વધારવા માટે મૂલ્યાંકન અને તેની વ્યવસ્થા (07) ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ (આઈઈએસ)ની અલગ કેડર ઊભી કરવી (08) વોકેશનલ શિક્ષણ અને વોકેશનલ સ્કૂલની સ્થાપના-નો સમાવેશ થાય છે.

આ ક્રાંતિકારી ભલામણો વિષે વધુ વિગત માટે પુસ્તકનું અંતિમ પ્રકરણ વાંચવું જ રહ્યું. ધોરણ દસનું બોર્ડ રદ કરીને ધોરણ આઠમાં બોર્ડની પરીક્ષા લઈને એક પથપ્રદર્શક માર્ગ ચીંધવાનું કાર્ય આ વ્યાપક ભલામણો દ્વારા કરવામાં આવ્યું છે. એક બાજુ બેરોજગારીનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે જયારે બીજી બાજુ ઔદ્યોગિક ગૃહોને જરૂરી મેનપાવર પ્રાપ્ત નથી થઇ રહ્યો તેનું એક માત્ર સમાધાન વોકેશનલ શિક્ષણ અને વોકેશનલ સ્કૂલ જ છે. અમારી ભલામણોથી શાળાકીય શિક્ષણમાં ગુણવત્તા ઊભી કરી શકાશે તથા સ્કિલ્ડ અને ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણેનો મેનપાવર પ્રાપ્ત થઇ શકશે અને તેને કારણે સ્વ-રોજગારી પણ ઉભી કરી શકાશે.

શાળાકીય શિક્ષણના અંતે એટલે કે ધોરણ દસ અને ધોરણ બારમાં લેવામાં આવતી બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓની લાયકાત તપાસવાનું એક અસરકારક માધ્યમ છે. એટલે જ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓના છેલ્લા ૨૦ વર્ષના બોર્ડની પરીક્ષાના પરિણામોનું પ્રાથમિક વિશ્લેષણ આ પુસ્તકમાં અમે કર્યું. આપણો સમાજ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થાય છે તેમનામાં જ રસ દાખવે છે. સરકાર હોય, શિક્ષણ બોર્ડ હોય, શિક્ષણશાસ્ત્રી હોય, સમાજ હોય, જ્ઞાતિની સંસ્થાઓ હોય કે ધાર્મિક સંસ્થાઓ હોય, આ તમામની નજર સફળ વિદ્યાર્થીઓ ઉપર જ રહેતી હોય છે. સારી રીતે સફળ થયા હોય તેવાઓને સન્માનિત કરવા માટે જાહેર કાર્યક્રમોનું આયોજન પણ કરતા હોય છે.

પરંતુ ધોરણ દસ કે બાર પછી નાપાસ થયેલા અને નાપાસ થયા બાદ અભ્યાસ છોડી દેનારા વિદ્યાર્થીઓનું કોઈ ધણી-ધોરી હોતું નથી. જાણે કે તેઓને તરછોડી દેવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેવા સંજોગોમાં સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ દ્વારા અમે બંને લેખકોએ આ સઘન અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. ધોરણ દસ અને બારના નાપાસ થયેલા અને ત્યારબાદ અભ્યાસ છોડી દીધેલા વિદ્યાર્થીઓ ઉપરનું આ સંશોધન ખુબ જ ચોંકાવનારાં અને આંખો ખોલી નાખનારાં તારણો લઈને આવ્યું છે. તારણો વિષે વિગતે વાંચવા માટે અમારું ૧૩૬ પાનનું નવું પુસ્તક વાંચવું રહ્યું.

વર્ષ ૨૦૧૩થી દર વર્ષે લગભગ સરેરાશ ચારથી પાંચ લાખ વિદ્યાર્થીઓ તેઓનો અભ્યાસ અધવચ્ચે છોડી રહ્યા છે. તેઓની કારકિર્દી સાથે શું થયું? તેઓ તેમનું જીવનધોરણ કેવી રીતે ચલાવતાં હશે? શું તેઓ અસંગઠિત ક્ષેત્રમાં મજૂરી કરવા માટે જોડાયાં? શું તેઓ કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા? શું તેઓમાંના કેટલાંક અસામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયાં? આ તમામ પ્રશ્નો આજ સુધી અનુત્તર રહ્યા છે. આનો જવાબ મેળવવા માટે સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ દ્વારા આ સઘન અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં વડોદરા જીલ્લામાં જે વિદ્યાર્થીઓએ નાપાસ થયા પછી અભ્યાસ છોડી દીધો છે તેવા વિદ્યાર્થીઓને નીચેના પ્રશ્નો પૂછીને તેના ઉત્તરો આધારિત વિશ્લેષણ કરવામાં આવ્યું છે:

  1. ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં નિષ્ફળ નીવડ્યા પછી તેઓની હાલમાં શું પરિસ્થિતિ છે?
  2. તેઓ તેમના જીવનનું ગુજરાન કેવી રીતે ચલાવે છે?
  3. તેઓએ તેમની જિંદગી અને કારકિર્દીને કેવી રીતે ઘડી?
  4. જીવન ગુજરાન ચલાવવા માટે તેમને કેટલાં વર્ષ સુધી અને કેવી રીતનો સંઘર્ષ કરવો પડ્યો?
  5. તેઓ માસિક અને વાર્ષિક કેટલું કમાય છે?
  6. તેમના જીવનના ગુજરાન માટે આવકનાં સાધનો ઊભા કરવા કયા કયા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો?

આ વિશ્લેષણનાં પરિણામો ચોંકાવનારાં છે. જેમ કે નાપાસ થનાર ૫૨% વિદ્યાર્થીનીઓનાં લગ્ન થઇ જાય છે અને ૪૦% પરિવારને ઘરકામ કરવામાં મદદરૂપ બને છે.બાકીનાને કેવા રોજગાર મળે છે તેની વ્યાપક વિગતો પુસ્તકમાં આપી છે. અન્ય ચોંકાવનારું તારણ એ છે કે દસ અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં નાપાસ થનારની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. આનુષાંગિક તારણ એ પણ છે કે પરિણામોની ગુણવત્તામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. વળી આ નાપાસ થનારાઓને ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રોમાં રોજગારી મળે છે અથવા તો સ્વરોજગાર કરીને આવક પ્રાપ્ત કરે છે. પરંતુ ગામડાંના અને કૃષિ કુટુંબોમાંથી આવનાર તરુણો અને તરુણીઓ ખેતી કે પશુપાલનમાં જવા માંગતાં નથી. આ તો એવું થયું કે "ભણે એ ખેતી છોડે". આ વિશ્લેષણ એવું સૂચવે છે કે શિક્ષણને જીવનની તકો સાથે સંબંધ છે, નહીં કે સંસ્થાની સગવડો સાથે. જીવનની તકો પૂરી પાડે એવું શિક્ષણ કેવી રીતે આપી શકાય તે અંગે ૧૩૬ પાનના પુસ્તકમાં વિસ્તૃત રીતે દર્શાવ્યું છે.

પુસ્તકનું પ્રાપ્તિસ્થાન:
બુક સેલ્ફ,
16, સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ,
ફોન નંબર 079 26563707 / 26441826
વેબસાઈટ: www.gujaratibookshelf.com,
ઇમેઇલ: bookselfa@gmail.com
નવભારત સાહિત્ય મંદિર (અમદાવાદ અને મુંબઈ)